વાવાઝોડાના કારણે પાટણ પંથકમાં ઉનાળું બાજરી સહિત ના ઘાસચારાનો સોથ વળી ગયો..

પાટણ તા. ૧૪
હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાતના પાટણમાં ગત સાંજે વાવાઝોડા સાથે પડેલ કમોસમી વરસાદ ને કારણે ખેડૂતોને ઉનાળુ પાક તેમજ ઘાસચારાના પાકમાં ભારે નુકશાન ઉઠાવવાનો વારો આવ્યો છે . ગત રોજ સવારથી પાટણ શહેર સહિત જિલ્લામાં અસહ્ય ઉકળાટ અને બફારાનો માહોલ હતો.

બપોર સુધીમાં વાદળ ઘેરાવાના શરૂ થયા હતા અને વાતાવરણમાં ઓચિંતો પલટો આવ્યો હતો. ધૂળની ડમરીઓ સાથે ભારે પવન ફૂંકાતા વિઝિબિલીટી ઘટી હતી. ઘણાં વાહનચાલકો રસ્તા ની સાઈડમાં ઊભા રહી ગયા હતા.

ઓફિસ કે ઘરમાં બેઠાં હોય તેમણે બહાર નીકળવાનું પણ ટાળ્યું હતું. ભારે પવનની સાથે કમોસમી વરસાદ શરૂ થયો હતો અને વીજળીના કડાકા ભડાકા થી લોકોમાં ફફડાટ ફેલાયો હતો. ભારે પવન, વીજળી ના ચમકારા વચ્ચે ખેતી ના પાક ને નુકસાન થયું હતું.

તો કેટલાક જગ્યાએ ઝાડ પડવાના બનાવ બન્યા હતા. પાટણ જિલ્લામાં સમી, હારીજ,સિદ્ધપુર,સરસ્વતી સહિતના તાલુકામા ગાજ વીજ અને ભારે પવનના વાવાઝોડા સાથે વરસેલા વરસાદને લીધે ખેડૂતોનો ઉભો પાક ઢળી જવા પામ્યો છે.

ખાસ કરીને ઉનાળુ બાજરી, ઘાસચારો સહિત નો જે પાક હતો તે તૈયાર થઈ ગયો હતો જોકે વાવાઝોડા સાથે વરસેલા વરસાદે ખેડૂતોની આશા પર પાણી ફેરવી દેતા ખેડુતો માં નિરાશા સાંપડી જવા પામી છે. હારીજ માં વાવાઝોડા સાથે કમોસમી વરસાદ પડવાના કારણે મહાકાય પીપળાનું વૃક્ષ ધરાશાયી થતા દુકાનોને નુકશાન થયું હતું, વીજ વાયરો તૂટી જતા વીજળી પણ ડુલ થતા રહીશો પરેશાન બન્યા હતા.