12 વર્ષથી રિસામણે બેઠેલી પરણીતાએ સાસરીમાં આવી ભોજનમાં ઝેર ભેળવી દિયર – સસરા ને જમાડતા દિયર નું મોત નિપજ્યું..

પાટણ તા. ૨૨
સાટાપેટે પરણાવેલ અને છેલ્લા 12 વર્ષે પિયરમાં રિસામણે બેઠેલી પરિણીતાએ પરિવાર સહિત સગા સબંધી ઓની સમજાવટ ને વશ થઈને પોતાની મરજી ન હોવા છતાં શંખેશ્વર તાલુકાના ધનોર ગામમાં સાસરે આવેલી પરિણીતાએ ભોજનમાં ઝેર ભેળવી સાસરીયા પક્ષ ના લોકો ને મોતને ઘાટ ઉતારવાનો કારસો રચતા ઝેર ભેળવેલ ભોજન સસરા અને દિયરે આરોગતા દિયર નું મોત નિપજ્યું હોવાનું અને સસરા ની હાલત ગંભીર હોવાની ઘટના મામલે શંખેશ્વર પોલીસ મથકે નોધાયેલ ફરિયાદ આધારે પોલીસે પરણીતા ની અટક કરી આગળ ની કાયૅવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

આ ઘટનાની પોલીસ સુત્રો તરફથી મળતી હકીકત મુજબ પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના ધનોર ગામમાં 12 વર્ષ બાદ પિયરથી સાસરીમાં આવેલી પુત્રવધુએ ભોજનમાં ઝેર ભેળવીને દિયર અને સસરાને જમાડી દેતા દિયરનું મોત નિપજ્યું છે.

જ્યારે સસરા જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા હોવાની પાટણ જિલ્લાના શંખેશ્વરપોલીસ મથકમાં ભોલાગીરી ઉર્ફે ભાવેશ ઈશ્વરગીરી ગૌસ્વામીએ પોતાની ભાભી વિરુદ્ધ હત્યાનો પ્રયાસ અને હત્યાની ફરિયાદ નોંધાવી હોય જે ફરિયાદ મુજબ તેમની ભાભી જયાબેન અશોક ગીરી ગૌસ્વામી છેલ્લા 12 વર્ષથી રિસાઈને પોતાના પિયરમાં રહેતા હતા પરંતુ તાજેતરમાં સામાજિક રીતે સમાધાન કરીને તેમને પરત લાવ્યા હતા.

પરંતુ પોતાની ઈચ્છા ન હોવા છતાં પોતાના સાસરીયા મા આવેલ જયાબેને મંગળવારે પોતાના સાસરી પક્ષના સભ્યો નો કાટો કાઢવા જમવાની રસોઈ મા ઝેર ભેળવી સસરા ઈશ્વરગીરી ગોસ્વામી અને દિયર મહાદેવ ગીરી ને જમાડ્યા હતા જે બાદ બંનેની તબિયત બગડી હતી જેમાં મહાદેવ ગીરી નું મોત નીપજ્યું હતું. જ્યારે ઈશ્વરગીરીની હાલત નાજુક જણાતા તેઓને પાટણ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે જયાં તેઓની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.

આ બાબતે શંખેશ્વર પોલીસે નોધાયેલ ફરિયાદને આધારે જયાબેન અશોકગીરી ગોસ્વામી વિરુદ્ધ આઈ પી સી ની કલમ 302 અને 307 હેઠળ ગુનો નોંધી તેઓની અટકાયત કરી વધુ કાર્યવાહી તપાસ અધિકારી પી.આઈ પ્રભાતસિંહ જે સોલંકી ચલાવી રહ્યા છે. ફરિયાદી ભોલાગીરી ઉર્ફે ભાવેશના જણાવ્યા મુજબ તેની ભાભી જયાબેન જ્યારે ભોજન બનાવતી હતી ત્યારે રસોડામાં બે અલગ અલગ વાસણમાં દાળ બનાવી રહી હતી જેથી તેણે પૂછ્યું પણ હતું કે ભાભી કેમ અલગ અલગ તપેલીમાં દાળ બનાવો છો જેથી તેણે કહેલ કે સુમિત તીખું નથી ખાતો તેના માટે મોળી દાળ બનાવું છું..

ફરિયાદ મુજબ જયાબેન ના લગ્ન અશોકભાઈ સાથે સાટાપેટે ઘણા સમય પહેલા થયા હતા પરંતુ બંને પતિ પત્ની વચ્ચે મનમેળ ના હોવાથી જયાબેન છેલ્લા 12 વર્ષથી રિસાઈને તેમના પિયર ગોતરકા ખાતે રહેતા હતા. પરંતુ તાજેતરમાં જ સગા સંબંધીઓએ સમાધાન કરાવ્યું હતું જેના ભાગરૂપે જયાબેન પરત પોતાની સાસરીમાં આવ્યા હતા જેના ચાર જ દિવસમાં તેઓએ ઘરના માણસોનો કાંટો કાઢી નાખવા માટે ભોજનમાં ઝેર ભેળવી ભોજન સસરા અને દિયર ને જમાડી દીધું હતું.

આ બાબતે રાધનપુર ડીવાયએસપી એ જણાવ્યું હતું કે ભોલાગીરી ઈશ્વરગીરી એ શંખેશ્વર પોલીસ સ્ટેશન ફરીયાદ આપી છે તે અનુસાર તેમના ભાભી જયાબેન અશોકગીરી ગોસ્વામી નાઓએ તેમના પરિવાર ના સભ્યોનો કાંટો કાઢી નાખવા સારું એમને બનાવેલી રસોઈમાં ઝેર ભેળવી દીધેલ અને તે તેમના ભાઈ મહાદેવગીરી અને એમના પિતા ઈશ્વર ગીરી ને ખવડાવેલ જેમાં મહાદેવગીરી મરણ ગયેલ છે અને ઈશ્વરગીરી બેભાન અવસ્થામાં હાલ પાટણ હોસ્પિટલ માં સારવાર હેઠળ છે. આ અંગે શંખેશ્વર પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

તો આ બાબતે શંખેશ્વર પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે જમવામાં ઝેર ભેળવીને દિયરને મોતને ઘાટ ઉતારનાર તેમજ સસરા ને જીવન મરણ વચ્ચે જોલા ખાતા કરી દેનાર પરણીતા જયાબેન ની અટકાયત કરી આગળની તજવીજ હાથ ધરી હોવાનો જણાવ્યું હતું.