લોકસભા ની ચૂંટણીમાં મતદારો અવશ્ય મતદાન કરે તેવી જાગૃતિ અર્થે સિદ્ધપુરમાં બાઈક રેલી યોજાઈ…

પાટણ તા. ૩
આગામી લોકસભા ચૂંટણી 2024 માં પાટણ જિલ્લાનો મતદાન આંક ઉપર લઇ જવા માટે જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિના અનેકવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં સ્વીપ પ્રવૃતિઓ અંતર્ગત અલગ-અલગ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જેનાં ભાગ રૂપે બુધવારે સિદ્ધપુર શહેરની શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા બાઈક રેલીનું આયોજન કરવા માં આવ્યું હતુ.

પાટણ લોકસભાની સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત પાટણ જિલ્લામાં તા.7 મી મે ના રોજ મતદાન થનાર છે. ત્યારે જિલ્લાના મતદારો વધુમાં વધુ મતદાન કરી લોક શાહીના પર્વમાં ઉમળકા ભેર સહભાગી થાય અને મુક્ત મને મતદાન કરી શકે તેવા સક્રિય પ્રયાસો પાટણ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયનના માર્ગદર્શન હેઠળ સ્વીપ નોડલ ઓફિસર દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ થઇ રહ્યા છે.

બુધવારે સિદ્ધપુર શહેરની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના એન.સી.સી કેડેટ્સ અને શિક્ષકો દ્વારા ભવ્ય બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ.જેમાં જિલ્લા સ્વિપ નોડલ અધિકારી એ. એન. ચૌધરી અને પ્રાંત અધિકાર સિદ્ધપુર દ્વારા લીલી ઝંડી આપીને રેલીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતુ. રેલીમાં મતદાનના નારાઓ ગુંજી ઉઠ્યા હતા. મતદાર જાગૃતિ માટેના બેનર્સ , પોસ્ટર્સ અને મતદાર જાગૃતિના ગીતો વગાડી તમામ પ્રજાજનોને મતદાન માટે જાગૃત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ માં 150 જેટલા શિક્ષક મિત્રોએ પણ ભાગ લીધો હતો.